નિવેદન

__________________

 

 

           યોગેશ્વર અને યુગપુરુષ એવા શ્રી અરવિંદના મહિમાવંતા નામનું અને એ નામની સાથે સનાતન ગ્રંથિથી સંકળાયેલ અદ્ ભુત અધ્યાત્મકાવ્ય 'સાવિત્રી'નું આકર્ષણ ભાવિક ભગવત્પ્રેમીઓને અને સત્સંસ્કારી આત્માઓને થાય એ સ્વાભાવિક છે. પરંતુ 'સાવિત્રી' મુશ્કેલ છે, સમજાતું નથી એવું કહેનારા નીકળશે, ને એ વાતેય સાચી છે-જો કેવળ સપાટી ઉપરની બુદ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો. આ છે અધ્યાત્મકાવ્ય, વૈશ્વ કાવ્ય. ચૌદે બ્રહ્યાંડની ભીતરમાં રહેલું રહસ્ય 'સાવિત્રી'નો કાવ્યવિષય છે. એ ઋતંભર રહસ્યનો પરિચય સાધી, એ જેનું રહસ્ય છે તેની સાથે યોગસંબંધ બાંધી, જીવનને એનું જાગતું સ્વરૂપ બનાવી દઈ, પૃથ્વીલોકમાં પ્રભુને ચાલવા માટેનો મંગળ માર્ગ  'સાવિત્રી' બતાવે છે, મૃત્યુના મહાલમાં અમૃતનો આનંદ અનુભવવાની ચિદંબરી ચાવી આપણા હાથમાં મૂકે છે.

          પણ આ ચાવી આપણા અધિકારમાં આવે તેને માટે પ્રથમ તો 'સાવિત્રી' ઉપર આપણી પૂર્ણ પ્રીતિ હોવી જોઈએ, ને તે પછી ધ્યાનભાવ અને આસ્થા પૂર્વક આ અધ્યાત્મ સત્યના મહકાવ્યનું અનુશીલન આરંભાય એ આવશયક ગણાવું જોઈએ. 'સાવિત્રી' બીજાં પુસ્તકોની માફક ન વંચાય એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. ઊંડી વસ્તુઓ ઊંડાણમાં પ્રવેશ કર્યા વગર પમાતી નથી, એને માટે તો ગહન ગહવરમાં માર્ગ મેળવવો પડે છે, એ કાળજૂનું સત્ય છે અને આપણેય એનો આદર કરવાનો છે.

          આ વિષયમાં શ્રી માતાજીએ આશ્રમના એક જિજ્ઞાસુ વિદ્યાર્થીને વાતવાતમાં જે કહ્યું છે તે આપણને માર્ગદર્શન કરાવશે. એ આ પ્રમાણે છે :

          '' 'સાવિત્રી' તમને ન સમજાય તો ફિકર નહી, પણ હમેશાં એને વાંચવાનું તો ચાલુ રાખજો. તમને જણાશે કે તમે જયારે જયારે એને વાંચશો ત્યારે હર વખત કંઇક નવું તમારી આગળ પ્રગટ થશે, હર વખત કંઈક નવું તમને મળી આવશે, કોઈક નવો અનુભવ તમને થશે, ત્યાં તમને નહિ દેખાયેલી ને નહિ સમજાયેલી વસ્તુઓ ઉદય પામશે અને ઓચિંતી સ્પષ્ટ બની જશે. કાવ્યના શબ્દો અને પંક્તિઓમાં થઈને અણધારી રીતે હમેશાં કંઈક આવશે. તમે વાંચવાનો ને સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે પ્રત્યેક સમયે તમે કંઈક ઉમેરાયેલું જોશો, પાછળ છુપાઈ રહેલું કંઇક સ્પષ્ટપણે અને જીવંત પ્રકારે તમારી આગળ ખુલ્લું થશે. હું કહું છું કે પહેલાં એકવાર

[ ૧ ]


વાંચેલી કડીઓય તમે જયારે એમને ફરીથી વાંચશો ત્યારે હર વખત તમારી આગળ જુદા જ પ્રકાશમાં દેખાશે.  આવું અનિવાર્યપણે બને છે જ. તમારા અનુભવને સમૃદ્ધ બનાવનાર કંઈક, હમેશાં એક નવો આવિષ્કાર પ્રત્યેક પગલે તમે જોવા પામો છો.

              પરંતુ તમે જેમ બીજાં પુસ્તકો કે છાપાં વાંચો છો તેમ તમારે ' સાવિત્રી'નું વાંચન કરવાનું નથી. 'સાવિત્રી' વાંચતી વખતે માથું ખાલી હોવું જોઈએ, મન કોરા પાના જેવું ને બીજી વસ્તુઓથી ભરેલું હોવું જોઈએ નહિ. બીજો કોઈ વિચાર ત્યાં ન જોઈએ. વાંચતી વખતે ખાલીખમ રહેવાનું છે, શાંત ને સ્થિર રહેવાનું છે, અંતરને ઉખાડું રાખવાનું છે. આવું થતાં 'સાવિત્રી' ના શબ્દો, ડોલનો અને લયો, એમાંથી ઉદ્ ભવતાં આંદોલનો સીધેસીધાં આરપાર પ્રવેશીને આવશે, તમારા ચેતનના ચોકઠા ઉપર પોતાની છાપ પાડશે, અને તમારા પ્રયાસ વગર આપોઆપ પોતાનો ભાવર્થ તમારી સમક્ષ પ્રકટ કરશે."

              આ પ્રકારે 'સાવિત્રી' નું પરિશીલન કરવામાં આવે તો ભાવિકોની ભાવનાઓને માગેલું મળવા માંડે અને 'સાવિત્રી' સત્ય જીવનની સંપાદયિત્રી બની જાય.

              'સાવિત્રી પ્રકાશન' ના આ બીજા પુસ્તકમાં મૂળ 'સાવિત્રી'ના બીજા પર્વના માત્ર આઠ સર્ગો જ લીધા છે, એ જ પર્વના બાકીના સાત સર્ગો વત્તા ત્રીજા પર્વના જે ચાર સર્ગો છે તે આપણા ત્રીજા પુસ્તકમાં આવશે. બીજું પર્વ લાંબા લાંબા પંદર સર્ગોનું બનેલું હોવાને કારણે એને બે વિભાગમાં વહેંચી લેવું પડ્યું છે. આ વહેંચણીને પરિણામે આપણા નાનામાં નાના પહેલા પુસ્તક સિવાયનાં પાંચ પુસ્તકો લગભગ એકસરખાં ને પહેલા કરતાં દોઢા ઉપરાંતનાં બની જશે.

              આપણા આ બીજા પુસ્તકમાં અશ્વપતિ યોગમાર્ગે યાત્રા કરતો કરતો ભુવનોની સીડીએ છેક પાતાલગર્ત સુધી પ્રવેશે છે ને ત્યાંનાં રહસ્યોનો સ્વામી બને છે, ને જેને માટે શિવ જીવ બનીને જગતમાં જન્મ લે છે તેને પૃથ્વીલોકના જીવનમાં પૂર્ણતયા સિદ્ધ કરવાની કળા હસ્તગત કરે છે, સચ્ચિદાનંદનો નીચે જે વિપર્યાસ થયેલો છે તેને તેનું મૂળ સ્વરૂપ પાછું આપનારું વિજ્ઞાન પોતાનું બનાવે છે.

              વધિવિધ ભુવનોનું,  તે તે ભુવનોની શક્તિઓનું ને ત્યાં પ્રવર્તતા નિયમોનું સજીવ આલેખન એક પછી એક આવતા સર્ગોમાં થયેલું જોવામાં આવશે. જે વસ્તુનિર્દેશ આપેલો છે તે વાચકને સર્ગની મૂળભૂત વસ્તુનો થોડોક ખ્યાલ આપશે. વિગતો તો વાંચતાં વાંચતાં વાચકે મેળવી લેવી પડશે.

              'સાવિત્રી પ્રકાશન' ઉપર પ્રેમ બતાવી એમાં સહયોગ પૂર્વક જોડાયેલા સર્વે ભાવિકાત્માઓ પ્રતિ મારો ભાવ વહી જાય છે ને પ્રાર્થે છે કે તેઓ સર્વ ભગવત્-કૃપાનું સૌભાગ્ય પોતાનું બનાવે અને ભાગવત જીવનને જ્યોતિર્મય માર્ગે સચ્ચિદાનંદના સાન્નિધ્ય પ્રતિ આગળ ને આગળ જાય.

_પૂજાલાલ

[ ૨ ]